content top

કાંતિ ભટ્ટ: અશાંત વિશ્વને આજે સ્વામી વિવેકાનંદની જરૂર

The article written by Shree Kantibhai Bhatt, in Aaspas, Divya Bhaskar of march 26, 2011 is displayed with the courtesy of Shree Kantibhai Bhatt and the management of the Divya Bhaskar daily.

કાંતિ ભટ્ટ: અશાંત વિશ્વને આજે સ્વામી વિવેકાનંદની જરૂર

Source: Aaspas, Kanti Bhatt, March 26, 2011

Source Link :  http://www.divyabhaskar.co.in/article/ABH-void-of-peace-world-today-swami-vivekanand-need-1962502.html

તમે નાહકના સવારના પહોરમાં કે રાત્રે ઘરે આવીને તમારાં બાળકોને, પત્નીને કે પતિને નાહકનાં કડવાં વાક્યો કહી દુભવતાં નહીં. તમારા ઘરમાં શાંતિ સ્થાપો અને પછી લિબિયા કે જાપાનના કુદરતી સંકટની ચોવટ કરો.

જાપાનના કુદરતી સંકટને લો કે અમેરિકા તેમ જ રશિયાના અણુપ્લાન્ટના અકસ્માત લો કે લિબિયામાં તેમ જ આરબ દેશોમાં માનવસંહારને લો તે કોઈ પણ દેશમાં શાંતિ માટે કોઈ પ્રાર્થના છે ખરી? વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ મેમોરિયલની સંસ્થાએ આજે જસ્ટિસ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી જે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા તેમને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે નોતર્યા છે. કોઈ કુટુંબમાંથી બબ્બે ભાઈઓને પદ્મવિભૂષણની ઉપાધિ મળી હોય તો જસ્ટિસ પી. એન. ભગવતી અને તેમના નાના ભાઈ પ્રો. જગદીશ ભગવતીને છે. સ્વામી વિવેકાનંદ વિશ્વશાંતિના ચાહક હતા, વિશ્વબંધુત્વના ચાહક હતા અને ‘દરીદ્રનારાયણ’ શબ્દના સંવાહક હતા.

આવી મહાન વિભૂતિને યાદ કરતી વખતે મારે શાંતિ સુક્તનો એક સર્વધર્મ સ્વીકારે તેવો શ્લોક ટાંકવો છે. આ શ્લોક મને શુદ્ધ સ્વરૂપે મુંબઈના અવકાશ વિજ્ઞાની અને ધર્મવેત્તા ડૉ.. જે. જે. રાવળે આપ્યો. પ્રથમ અણુબોમ્બના વિસ્ફોટક ઓપનહેમરથી માંડીને ડૉ.. વિક્રમ સારાભાઈ કે કાનૂનશાસ્ત્રને ઘોળીને પી ગયેલા જસ્ટિસ પી. એન. ભગવતી પણ ઈશ્વરમાં માને છે. ધાર્મિક છે. જસ્ટિસ ભગવતી તો સત્ય સાઈબાબામાં કૃષ્ણના દર્શન કરતા હતા. સૌપ્રથમ આજના યુગમાં, આ દિવસે, આ ટાંકણે અને આ ક્ષણે શાંતિ સુક્તનો શ્લોક બહુ જ ઉપયોગી છે :

આનો ભદ્રા કૃતવો યન્તુ વ્વિશ્વતો દવ્ધાસો…ની પંક્તિથી શરૂ કરીને અંતમાં શાંતિસુક્ત શ્લોક કહે છે

ધ્યો : શાન્તિરન્ત રક્ષિગ્ગૂં શાન્તિ: / પૃથ્વી શાન્તિરાય: શાન્તિ રોષ ધય: શાન્તિ: / વનસ્પતય: શાન્તિ વિશ્વદેવા: શાન્તિ બર્ધમ શાન્તિ: / સર્વગૂં શાન્તિ: શાન્તિ રેવ શાન્તિ: / સામા શાન્તિ રેધિ / શાન્તિ: શાન્તિ: શાન્તિ:

આ પ્રકારના શાન્તિ સુક્તના શ્લોકની ભાવના જગતભરના એક પણ ધર્મમાં નથી. આપણા ધર્મમાં જ છે. તેની ભાવના વિશ્વભાવના જ નથી પણ બ્રહ્નાંડભાવના છે. મને ડૉ.. રાવળે તેનો અર્થ આપ્યો તે જાણો. આપણા ઋષિમુનિઓ આઋચામાં કહે છે કે -હે વિશ્વનયંતા! આખા અંતરિક્ષ એટલે કે ગગન-મંડળને શાન્તિ આપો. આકાશને શાન્તિ આપો. પૃથ્વીને શાન્તિ આપો, અરે! આપણી બીમારીને કુદરતી રીતે સારી કરતી વનસ્પતિ, ઔષધો અને તેના છોડને શાન્તિ આપો. વનસ્પતિ-વૃક્ષોને શાન્તિ આપો. બધા દેવોને શાન્તિ આપો. બ્રહ્નને પણ શાન્તિ આપો. બ્રહ્નાંડનાં તમામ તત્વોને શાન્તિની જરૂર છે. તે તમામને હે ઈશ્વર! શાન્તિ આપો.

ખરેખર, જો અમેરિકાના પ્રમુખોની સોગંદવિધિ થાય કે ફ્રાન્સ-બ્રિટન તેમ જ બીજા અણુબોમ્બ ધરાવતા તેમ જ વિપુલ શસ્ત્રાગાર ધરાવતા દેશોના વડાની સત્તાની સોગંધવિધિ થાય ત્યારે પશ્ચિમના દેશોના વડાઓ શાંતિ સુક્તનો પાઠ ભણે તો યુદ્ધથી નહીં પણ શાંતિવાર્તાથી જગતના પ્રશ્નોને ઉકેલે. લિબિયા પર હુમલાની જરૂર ન રહે.

બ્રહ્નાંડમાં, કે જાપાનમાં કે લિબિયામાં કે નવી દિલ્હીમાં ભ્રષ્ટાચારની વાતોથી અશાંત થયેલા ડૉ.. મનમોહનસિંહ અને સોનિયા ગાંધી જ નહીં પણ તમારા કુટુંબમાં, મિત્રોમાં, કંપનીઓમાં, અખબારોની કચેરીઓમાં, તમારા પ્રેમસંબંધોમાં આ શાન્તિસુક્તનો પાઠ આજે ખૂબ જ ટોપીકલ છે-સમળ્યોચિત છે. સવારે ઊઠો ત્યારે ગયા દિવસની તમામ કડવાશો અને વેરભાવ ભૂલીને જો શાન્તિસુક્તનો પાઠ યાદ કરશો તો તમારું સ્વસ્થ મન સુંદર વિચારો, ઉપયોગી વિચારો અને કન્સ્ટ્રકટીવ-સર્જનાત્મક-રચનાત્મક વિચારોથી ભરેલું રહેશે.

આજે લાગે છે કે ૨૧મી સદીમાં ભારતને જ નહીં વિશ્વને એક બીજા નવા સ્વામી વિવેકાનંદ અવતરવાની તાતી જરૂર છે. સાચા આધ્યાત્મિક પુરુષો જે ઇન્ટેલેકયુઅલ્સને અને કોર્પોરેશનોના બડેખાંઓ જેના હાથમાં દેશના રાજકારણ અને અર્થકારણની ચોટલી છે તે તમામને શાંતિનો ઉપદેશ આપનારા વિવેકાનંદની જરૂર છે. સ્વામી વિવેકાનંદની વાણીમાં, વકતવ્યમાં, તેમના વ્યક્તિત્વમાં જે દિવ્યતાનો ફોર્સ હતો એવો ફોર્સ આજે ખૂબ જ જરૂરી છે.

સ્વામી વિવેકાનંદે વિશ્વના નેતાઓને કહેલું કે એ ન્યુ ક્રાઈંગ હાર્ટ વોઝ નીડેડ ટુ ગ્રો ઈન ટુ સ્માઈલિંગ ફેસ. આજે જગતનાં કષ્ટો, દુ:ખો, ગરીબાઈ વગેરેને હૃદયમાં લઈને તેના વતી આક્રાંત કરીને પછી તેમને શાતા આપીને તમામના મુખ ઉપર અશાન્તિ, દુ:ખ અને યુદ્ધને બદલે શાન્તિનું સ્મિત ફેલાય તે જરૂરી છે. તમારા કુટુંબથી જ શરૂઆત કરો કે તમે નાહકના સવારના પહોરમાં કે રાત્રે ઘરે આવીને તમારાં બાળકોને, પત્નીને કે પતિને નાહકનાં કડવાં વાક્યો કહી દુભવતાં નહીં. તમારા ઘરમાં શાંતિ સ્થાપો અને પછી લિબિયા કે જાપાનના કુદરતી સંકટની ચોવટ કરો.

ભારતીય વિદ્યાભવનના કુલપતિ કનૈયાલાલ મુનશીએ મહાત્મા ગાંધી શતાબ્દી નિમિત્તે ૨-૧૦-૧૯૯૯ના રોજ સ્વામી વિવેકાનંદને જ યાદ કર્યા હતા. વિવેકાનંદના જીવનમાં મહત્વના બે ઉમદા સંદેશ હતા.

(૧) ટ્વીન ઓબ્જેક્ટિવ ઓફ સેલ્વેશન ફોર વનસેલ્ફ એન્ડ ધ વેલફેર ઓફ ધ વર્લ્ડ (આત્માનો મોક્ષય: જગધીતાય ચ) તમારા પોતાના ઉધ્ધાર સાથે જગતનો ઉધ્ધાર પણ થવો જોઈએ. (૨) દરેક આત્મામાં દિવ્યાત્માનું પોટેન્શિયલ રહેલું છે અને તે દિવ્યતા તમારા આંતરિક અને બાહ્ય સ્વભાવ-સંયોગના નિયમન થકી આવે છે. (૩) આ દિવ્યતા પ્રાપ્ત કરવા કાં તમે નિષ્ઠાથી જીવનની ફરજો બજાવો, ભક્તિ કરો કે ફિલસૂફી વિકસાવો. (૪) જ્યાં સુધી મારા દેશમાં કોઈ પણ જીવ અને કૂતરો પણ ભૂખ્યો રહે ત્યાં સુધી મારો ધર્મ તે જીવોને અન્ન આપવાનો છે. (૫) રિલિજિયન ઈઝ ધ મેનીફેસ્ટેશન ઓફ પરફેકશન ઓલરેડી ઇન મેન. માનવની અંદર જે પૂર્ણતા છુપાયેલી છે તેને બહાર કાઢવાનું કામ ધર્મ કરે છે.

નોલેજ ઈઝ પાવર- જ્ઞાન જ મહાન શક્તિ છે પણ આ વાત તમારા કાનમાં જુની થઈ છે. સ્વામી વિવેકાનંદ નવું વધારામાં શું કહે છે?-આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે તે ક્યાંથી આવ્યું? બહારથી નહીં આ જ્ઞાન તમારા પોતાની અંદરથી આવ્યું છે. નોબડી એવર ક્રિએટેડ નોલેજ. ઇટ ઇઝ હ્યુમન બીઈગ હુ બ્રિંગ્ઝ ઇટ ફ્રોમ વિધીન. ઇટ ઇઝ લાઈંગ ધેર. જ્ઞાન તમારી અંદર જ ધરબાયેલું પડ્યું છે. તે શોધો. ઈશ્વર પણ બહાર નથી અને પછી અહ્મ બ્રહ્નાસ્મી-હું જ બ્રહ્ન છું તેવા આત્મવિશ્વાસ સુધી તમે પહોંચી શકશો.

આસપાસ, કાંતિ ભટ્ટ

Comments are closed.