માઈટ્રલ વાલ્વનું દુર્લભ ઓપરેશન
The story published by “Bhaskar News, Vadodara” in the “Divya Bhaskar” daily on November 23, 2010 on “માઈટ્રલ વાલ્વનું દુર્લભ ઓપરેશન” is displayed here with the courtesy of its publishers for our esteem viewers.
બેંકર્સ હાર્ટના કાર્ડિયોલોજિસ્ટે નોવેલ ડિઝાઈન સર્જરી કરી મહિલાની જિંદગી બચાવી
હ્રદયની જન્મજાત ખોડને કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં રૂંધામણ અનુભવતી આધેડ મહિલાનું કાર્ડિયાક સર્જરીની દુનિયામાં દુર્લભ કહી શકાય તેવું ‘નોવેલ ડિઝાઇન’ ઓપરેશન બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કાર્ડિયોલોજિસ્ટોની ટીમે સફળતાપૂર્વક પાર પાડી મહિલાને નવજીવન બક્ષ્યું હતું.
પંચમહાલ જિલ્લાના કાલોલની ૫૦ વર્ષીય મહિલાને ગભરામણ સાથે શ્વાસ રૂંધાતી હાલતમાં બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના હૃદયની ડાબી બાજુ મધ્યભાગમાં માઈટ્રલ વાલ્વ સાંકડો હોવાનું જણાયું હતું. આવા દર્દીને કેથલેબમાં લઈ જઇને બલૂન વડે વાલ્વ પહોળો કરવામાં આવે છે. જે માટે પગની ફેમોરલ આર્ટરી નામે ઓળખાતી નળીમાંથી બલૂન પસાર કરી હૃદયમાં વાલ્વ સુધી પહોંચાડવામાં આવે છે.
ઓપરેશન દરમિયાન તપાસમાં જણાયું હતું કે, આ મહિલાની જન્મજાત ખોડને લીધે જે નસમાંથી બલૂન પસાર કરવાનું હતું તે નસ અન્ય નસમાં લોહી ઠાલવતી હતી જે હૃદયમાં જતી હતી. જેથી હવે ફેમોરલ આર્ટરીમાંથી ઓપરેશન શક્ય ન હતું.
ડૉ. બેંકરે દર્દીનાં સગાં સાથે ચર્ચા કરી, સર્જરી કૌશલ્ય દાખવી ગળાની નળીમાંથી બલૂન નાખી માઈટ્રલ વાલ્વ પહોળો કરી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. હાલમાં દર્દી સ્વસ્થ છે. આ ઓપરેશન હૃદયના ઓપરેશનના ઈતિહાસમાં દુર્લભ ઘટના છે. દુનિયામાં નોંધાયેલું આવા પ્રકારનું આ બીજું ઓપરેશન છે. ઓપરેશનનો આ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલમાં પણ મોકલાશે અને નવી પદ્ધતિ દ્વારા ઉપચારનો નવો માર્ગ ચીંધતા આ ઓપરેશનનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પ્રેઝેન્ટેશન કરાશે.